હમેશાં હસતો રહુ છું. Saturday, May 26 2007 

ફુલોથી ભરેલા બગિચા વચ્ચે,
બની કાંટા, હમેશાં હસતો રહુ છું.

હરરોજ તોલાતી જીંદગીઓ વચ્ચે,
બની ત્રાજવુ, હમેશાં હસતો રહુ છું.

હિન્દું-મુસલીમની લડાઈ વચ્ચે,
બની નાસ્તિક, હમેશાં હસતો રહુ છું.

લોહી તરસ્યા લોકોની વચ્ચે,
બની ઝાંઝવા, હમેશાં હસતો રહુ છું.

બહુરૂપી લોકોની ભીડ વચ્ચે,
બની અરીસો, હમેશાં હસતો રહુ છું.

ચોમેર ફેલાયેલા અંધારા વચ્ચે,
બની “દીપ”, હમેશાં હસતો રહુ છું.

(ઝાંઝવા = મ્રુગજળ)

- દીપક પરમાર (“દીપ”)

તારીખઃ 26/5/2007

વ્યાપી ગયા : દીનેશ ગજ્જર Tuesday, May 15 2007 

આંખોએ ઈચ્છ્યું કંઈક કહેવું અને ઈશારાઓ ક્ષણ બની વ્યાપી ગયા
ન પહોંચી શક્યા જે મંઝીલે તે સઘળા રણ બની વ્યાપી ગયા

એક પળ જો રહ્યો ગાફેલ તમારા સ્મરણ કરવા માત્રથી
તૂટી પડી ફરિયાદો અને તમારી યાદોના કણ ઘણ બની વ્યાપી ગયા

મનનો માહોલ ફિક્કો હતો જ્યારે તમારી ઉપસ્થિતિ નહતી.
આવ્યા તમે તો સર્વત્ર સુગંધના સ્ત્રોત વળગણ બની વ્યાપી ગયા

સર્જન થયું સૃષ્ટિનું અનંત યુગો બંધાયા એકબીજાથી
તમે બન્યા પ્રેમકથા અમે અવતરણ બની વ્યાપી ગયા.

- દીનેશ ગજ્જર

…ત્યારે કહેજો : દીનેશ ગજ્જર Tuesday, May 15 2007 

 

વાદળા સાથે મોકલ્યો  છે સંદેશો,  મળી જાય ત્યારે કહેજો
ચમકતી વિજળી જ્યારે મન તમારું કળી જાય ત્યારે કહેજો.

આ ચાંદ-તારા જોઈ રહ્યાં છે રાહ આપણા મિલનની
બસ  આ  નઠારો  સૂરજ  ઢળી જા ય  ત્યારે  કહેજો

પાંપણ  પર  પડ્યો  છે   પથરાયેલો  સપનાનો  કાફલો
રખેને તણાઈ જાય એ બધું, આંખ ઝળહળી જાય ત્યારે કહેજો

વસંતનું વાવેતર  મેં  કરી  દીધું  તમારા દીલમાં, મંઝીલમાં
બસ ઉદાસીની પાનખર એના દેશ વળી જાય ત્યારે કહેજો

એવી સંવેદિતા છે આપણી વચ્ચે કે આંખ મારી પલકારા તમારા
મારું  આકાશ  વરસે  અને  ત્યાં  પ્રેમ  પલળી જાય ત્યારે કહેજો

હું ચાહીશ તમને મન  મૂકીને અનંત  યુગોના  અંત સુધી
તમે પણ કોઈ અદમ્ય ઝંખના મનમાં સળવળી જાય ત્યારે કહેજો
 

-દીનેશ ગજ્જર

એક ક્ષણ માટે Monday, May 14 2007 

ઈચ્છા એ કે હું મળું, એક ક્ષણ માટે,
ના ભુલે કોઈ મને, એક ક્ષણ માટે,
તરસ વરસોની,સાગર પણ ઓછો પડશે,
મ્રુગજળ તો મળે મને, એક ક્ષણ માટે.

-દીપક પરમાર (“દીપ”)

તારીખઃ 13/5/2007

માણવા લાયક મુક્તકો Wednesday, May 2 2007 

કોણ ભલાને પૂછે છે ? અહીં કોણ બૂરાને પૂછે છે ?
મતલબથી બધાને નિસ્બત છે, અહીં કોણ ખરાને પૂછે છે ?
અત્તરને નીચોવી કોણ પછી ફૂલોની દશાને પૂછે છે ?
સંજોગ ઝુકાવે છે નહીંતર અહીં કોણ ખુદાને પૂછે છે ?

- કૈલાસ પંડિત

આ  મહોબ્બત છે  કે  છે એની  દયા  કહેતા નથી
એક   મુદ્દત થઈ  કે  તેઓ હા  કે  ના કહેતા નથી
બે જણા દિલથી મળે તો એક મજલીસ છે ‘મરીઝ’
દિલ  વિના  લાખો મળે  એને  સભા કહેતા નથી !

-’મરીઝ’

દમકતો ને ચમકતો શાહજહાંનો મહેલ જોવા દે
મને ધનવાન મજનૂએ કરેલો ખેલ જોવા દે
પ્રદર્શન કાજ ચાહત કેદ છે જેમાં જમાનાથી
મને એ ખૂબસૂરત પથ્થરોની જેલ જોવા દે

-શેખાદમ આબુવાલા

જો સ્વાર્થભરી દુનિયાની નજર, ને મારા વિચારો સમજી જા
મઝધારમાં રહેતાં શીખી જા, ને શું છે કિનારો સમજી જા
કંઇ લાખ કથાઓ કહેતી ફરે છે મારા નયનની ચુપકીદી
એકાંતે રડેલી આંખોના આ છાના ઇશારા સમજી જા
 

-સૈફ પાલનપૂરી