હમેશાં હસતો રહુ છું.

ફુલોથી ભરેલા બગિચા વચ્ચે,
બની કાંટા, હમેશાં હસતો રહુ છું.

હરરોજ તોલાતી જીંદગીઓ વચ્ચે,
બની ત્રાજવુ, હમેશાં હસતો રહુ છું.

હિન્દું-મુસલીમની લડાઈ વચ્ચે,
બની નાસ્તિક, હમેશાં હસતો રહુ છું.

લોહી તરસ્યા લોકોની વચ્ચે,
બની ઝાંઝવા, હમેશાં હસતો રહુ છું.

બહુરૂપી લોકોની ભીડ વચ્ચે,
બની અરીસો, હમેશાં હસતો રહુ છું.

ચોમેર ફેલાયેલા અંધારા વચ્ચે,
બની “દીપ”, હમેશાં હસતો રહુ છું.

(ઝાંઝવા = મ્રુગજળ)

દીપક પરમાર (“દીપ”)

તારીખઃ 26/5/2007

Advertisements

એક ક્ષણ માટે

ઈચ્છા એ કે હું મળું, એક ક્ષણ માટે,
ના ભુલે કોઈ મને, એક ક્ષણ માટે,
તરસ વરસોની,સાગર પણ ઓછો પડશે,
મ્રુગજળ તો મળે મને, એક ક્ષણ માટે.

-દીપક પરમાર (“દીપ”)

તારીખઃ 13/5/2007

માણવા લાયક મુક્તકો

કોણ ભલાને પૂછે છે ? અહીં કોણ બૂરાને પૂછે છે ?
મતલબથી બધાને નિસ્બત છે, અહીં કોણ ખરાને પૂછે છે ?
અત્તરને નીચોવી કોણ પછી ફૂલોની દશાને પૂછે છે ?
સંજોગ ઝુકાવે છે નહીંતર અહીં કોણ ખુદાને પૂછે છે ?

– કૈલાસ પંડિત

આ  મહોબ્બત છે  કે  છે એની  દયા  કહેતા નથી
એક   મુદ્દત થઈ  કે  તેઓ હા  કે  ના કહેતા નથી
બે જણા દિલથી મળે તો એક મજલીસ છે ‘મરીઝ’
દિલ  વિના  લાખો મળે  એને  સભા કહેતા નથી !

-’મરીઝ’

દમકતો ને ચમકતો શાહજહાંનો મહેલ જોવા દે
મને ધનવાન મજનૂએ કરેલો ખેલ જોવા દે
પ્રદર્શન કાજ ચાહત કેદ છે જેમાં જમાનાથી
મને એ ખૂબસૂરત પથ્થરોની જેલ જોવા દે

-શેખાદમ આબુવાલા

જો સ્વાર્થભરી દુનિયાની નજર, ને મારા વિચારો સમજી જા
મઝધારમાં રહેતાં શીખી જા, ને શું છે કિનારો સમજી જા
કંઇ લાખ કથાઓ કહેતી ફરે છે મારા નયનની ચુપકીદી
એકાંતે રડેલી આંખોના આ છાના ઇશારા સમજી જા
 

-સૈફ પાલનપૂરી