… તો બળવું પડશે

આજ કે કાલે બધાએ કરવું પડશે,
જાત સામે કો’ક દિવસ લડવું પડશે,

કૂદી ભવસાગર વચ્ચે ના ડર હવે તું!
આવડે ના આવડે પણ તરવું પડશે,

હા! સહારો હરઘડી કોઈ ન આપે,
એકલા હાથે બને કે નભવું પડશે,

ક્યાં પહોચ્યું કોઇ બસ ઊભા રહીને,
એ તરફ એકાદ પગલું ભરવું પડશે,

જીવતા ઊકેલ ક્યાં તારો મળ્યો છે,
ભેદ તારો ખોલવા શું મરવું પડશે ?

કેમ પસ્તાવો હવે આ બળતરાથી ?
“દીપ” થઈ પોતે ફરો તો બળવું પડશે,

છંદ વિધાન : ગા લ ગા ગા / ગા લ ગા ગા / ગા લ ગા ગા

દીપક પરમાર “દીપ” ( ૧૭/૪/૨૦૧૦ , રાતના ૯.૫૭ વાગે )

Advertisements

…દોસ્તો

અમે જ્યા જ્યા પણ કહાની અમારી શરું કરી, દોસ્તો,
અવગળી, વાત પોતાનીજ  લોકોએ  ધરી,  દોસ્તો,

હવે જવું તો વળી જવું ક્યાં? અને કહું તો વળી કહું શું હું?
ખુપાવી  ને  હલાવી  પીઠમાં  કોણે  છરી,  દોસ્તો ?

હંમેશા એકલો જીવ્યો છું ને જીવીશ આગળ પણ,
કરે  રાખે  ભલે  લોકો  હરઘડી  ઠેકડી,  દોસ્તો,

ફરે રાખ્યો અજાણી શોધમાં વરસો – વરસ  ત્યારે,
પડી ખબર મુંજને છેલ્લે, રસ્તોજ મજલ ખરી, દોસ્તો,

તુટ્યા લાખો અને તુંટશે પણ, ઉભો એજ કારણથી,
કહી જાય હરરાતે અવનવા સપના પરી, દોસ્તો,

બસ,  તુજ  પર  ઉપકાર  મળેલ  આ  દીવાનગીનો  એ,
ચલો જીવન સફળ થયું “દીપ”, કો’ક તો ઓળખ મળી, દોસ્તો,

છંદ વિધાનઃ લ ગા ગા / ગા લ ગા ગા / ગા લ ગા ગા / ગા લ ગા ગા / ગા

– દીપક પરમાર ” દીપ” ( ૨૮/૦૬/૨૦૦૯ )

નામ “દીપ” અમથુંજ રાખ્યું છે.

ખેલે છે ખેલ હરપળ દોસ્તો જીંદગી,
જીવન ને એટલે મે રમતુંજ રાખ્યુ છે,

તો શું? ભલેને મને લોકો જોકર ગણે,
 હર દુઃખ મા મોઢું મે તો હસતુંજ રાખ્યું છે,

તે મારી આગળ ખુલાસાજ કર્યા છત્તા,
માથું ઉત્તરમાં અમે તો નમતુંજ રાખ્યું છે,

આ એકલતાનું ઘાસ ઉગે ના એટલે,
ઢોર ઉંમીદનું અમે તો ચરતુંજ રાખ્યું છે,

મજિંલ સુધી આ વિશ્વાસજ મુંજને લઈ ગયો,
પાડ્યું અમે નામ “દીપ” એ તો અમથુંજ રાખ્યું છે.

તારીખઃ ૨૬/૦૪/૨૦૦૯

 
– દીપક પરમાર (”દીપ”)

એ પ્રેમ છે…

શ્વાસમાં વિશ્વાસ જ્યાં ભેળો મળે એ પ્રેમ છે,
આશનો અવકાશ જ્યાં પણ શૂન્ય છે એ પ્રેમ છે.

હક, અપેક્ષા, શક, અહમ્ ના પંક ની વચ્ચેથી કોઈ,
પદ્મ સમ નિર્મળ અગર ખીલી શકે એ પ્રેમ છે.

બેકરારી વસ્લ માં, પીડા વિરહ માં કત્લની,
એટલું સમજી શકો કે કેમ છે એ પ્રેમ છે.

‘તું નથી’ ની વાસ્તવિક્તા કષ્ટ દેતી બંધ થઈ,
શ્વાસમાં, ઉચ્છવાસ માં બસ, તું વહે એ પ્રેમ છે.

બાદબાકી તુજ ની, તારાં સ્પર્શ, યાદો, સાથની,
શેષ મારામાં પછી જે પણ બચે એ પ્રેમ છે.

શબ્દ થઈ મુજ શ્વાસ માં બસ તું સદા વહેતી રહે,
આ ગઝલ શબ્દો નથી કંઈ, આ જે છે એ પ્રેમ છે.

રાત આખી બેકરારી થઈ મને ડંસતી રહે,
ને સવારે શબ્દ થઈ ચૂમે મને એ પ્રેમ છે.

-ડો.વિવેક મનહર ટેલર