એક ક્ષણ માટે

ઈચ્છા એ કે હું મળું, એક ક્ષણ માટે,
ના ભુલે કોઈ મને, એક ક્ષણ માટે,
તરસ વરસોની,સાગર પણ ઓછો પડશે,
મ્રુગજળ તો મળે મને, એક ક્ષણ માટે.

-દીપક પરમાર (“દીપ”)

તારીખઃ 13/5/2007

માણવા લાયક મુક્તકો

કોણ ભલાને પૂછે છે ? અહીં કોણ બૂરાને પૂછે છે ?
મતલબથી બધાને નિસ્બત છે, અહીં કોણ ખરાને પૂછે છે ?
અત્તરને નીચોવી કોણ પછી ફૂલોની દશાને પૂછે છે ?
સંજોગ ઝુકાવે છે નહીંતર અહીં કોણ ખુદાને પૂછે છે ?

– કૈલાસ પંડિત

આ  મહોબ્બત છે  કે  છે એની  દયા  કહેતા નથી
એક   મુદ્દત થઈ  કે  તેઓ હા  કે  ના કહેતા નથી
બે જણા દિલથી મળે તો એક મજલીસ છે ‘મરીઝ’
દિલ  વિના  લાખો મળે  એને  સભા કહેતા નથી !

-’મરીઝ’

દમકતો ને ચમકતો શાહજહાંનો મહેલ જોવા દે
મને ધનવાન મજનૂએ કરેલો ખેલ જોવા દે
પ્રદર્શન કાજ ચાહત કેદ છે જેમાં જમાનાથી
મને એ ખૂબસૂરત પથ્થરોની જેલ જોવા દે

-શેખાદમ આબુવાલા

જો સ્વાર્થભરી દુનિયાની નજર, ને મારા વિચારો સમજી જા
મઝધારમાં રહેતાં શીખી જા, ને શું છે કિનારો સમજી જા
કંઇ લાખ કથાઓ કહેતી ફરે છે મારા નયનની ચુપકીદી
એકાંતે રડેલી આંખોના આ છાના ઇશારા સમજી જા
 

-સૈફ પાલનપૂરી