… તો બળવું પડશે

આજ કે કાલે બધાએ કરવું પડશે,
જાત સામે કો’ક દિવસ લડવું પડશે,

કૂદી ભવસાગર વચ્ચે ના ડર હવે તું!
આવડે ના આવડે પણ તરવું પડશે,

હા! સહારો હરઘડી કોઈ ન આપે,
એકલા હાથે બને કે નભવું પડશે,

ક્યાં પહોચ્યું કોઇ બસ ઊભા રહીને,
એ તરફ એકાદ પગલું ભરવું પડશે,

જીવતા ઊકેલ ક્યાં તારો મળ્યો છે,
ભેદ તારો ખોલવા શું મરવું પડશે ?

કેમ પસ્તાવો હવે આ બળતરાથી ?
“દીપ” થઈ પોતે ફરો તો બળવું પડશે,

છંદ વિધાન : ગા લ ગા ગા / ગા લ ગા ગા / ગા લ ગા ગા

દીપક પરમાર “દીપ” ( ૧૭/૪/૨૦૧૦ , રાતના ૯.૫૭ વાગે )