સપનાનુ જહાજ

તું
કોશિશ તો કર,
તારા સપનાનુ જહાજ
ના તરે
તો મને કે,
મારા
ખોબાના સાગરમાં…

– દીપક પરમાર (૨૨/૧૨/૨૦૧૨,સવારના ૯.૩૩ વાગે)

ફરી એક ઇચ્છા…

અમે ચાલતા-ચાલતા
સમુદ્રકાંઠે પહોચ્યા,

અમારા પગલાની છાપ
રેતના કેનવાશ પર
કોતરણી કરી રહી હતી,

એના ગાલની ગુલાબી
ગુલાબની પાંખડી જેવા હોઠ
સાંજની લાલાશમાં
વધારો કરી રહ્યા હતા,

એની કાળી કામણગારી આંખોમા,
આ કુશળ તરવૈયો ડૂબી રહ્યો હતો,

એના મખમલી હાથનો સ્પર્શ
મારા પુરા શરીરમાં
ઝણઝણાટી લાવી દેતો,

એની નાજુક કમાનાકાર કમરની
આજુબાજુ વિટણાયેલા મારા હાથ
જ્યારે પોતાની લક્ષમણરેખા ઓળંગતા
ત્યારે લજામણીની જેમ
મારી આગોશમાં સમેટાઈ જતી,

થોડી-થોડી વારે આવતી હવાની ઝાપટ
એના લાંબા કેશની રેશમી ચાદરને
મારા ચહેરા ઉપર પાથરી દેતી

પણ અચાનક આવેલા
એક અણગમા અવાજે
મારી સોનેરી પળમા ભંગ પાડ્યો,

ધીરે-ધીરે જ્યારે આંખો ખોલી
તો… ફરી એક ઇચ્છા મરી ગઈ

સવારના ૬.૩૦ વાગ્યા હતા
પથારીમાં પડેલા મારા મોબાઈલમાં….

દીપક પરમાર ( ૦૯/૦૯/૨૦૧૧, સવારના ૧.૩૩ વાગે )

પર્વતની ટોચ

આખરે પહોચ્યો ખરા!!!
… પણ એ માટે,

સંબધોના વ્રુક્ષોને
મૂળીયા સહિત ઉખેડી નાખ્યા,

લાગણીની વેલોને
તોડી નાખી,

દોસ્તીની ઝાળ
ઝૂંટી નાખી,

જવાબદારીઓના પથ્થરોને
ભાંગીને ભુક્કા કરી નાખ્યા,

મારગમા જે આવ્યુ
માટીનુ ઢેફુ સમજી
ખુરદો બોલાવી દીધો,

અરે….

ઇચ્છાઓના પતંગિયાઓને
તો ઉડવાજ નથી દીધા,

આખરે પહોચ્યો
પર્વતની ટોચ ઉપર,

પણ મને મળી ફક્ત
દૂર-દૂર સુધી ફેલાયેલી
ને અદંરથી કોરી ખાતી શાંતિ…

-દીપક પરમાર ( ૧૯/૬/૨૦૧૧, સવારના ૧૧.૦૯ વાગે )

સત્ય

પહેલો દિવસઃ

દવાની કૅપ્સૂલને તોડી,
નિક્ળ્યો સફેદ પાવડર,
કડવા ઝેર જેવો,
ગળે ઉતરે ક્યાથી?

બીજો દિવસઃ

કૅપ્સૂલને તોડી નહિ,
અને…
સરળતાથી ગળે ઉતરી ગઈ…

-દીપક પરમાર ( ૧૧/૬/૨૦૧૧, સાંજના ૫.૩૧ વાગે )

મહિનો

સૂકો ભઠ,
રણ જેવો,
જેઠ મહિનો,
બેઠો છે,
વર્ષોથી,
પલાઠી વાળીને,
તું આવ હવે,
તો…
શ્રાવણ બેસે…

-દીપક પરમાર ( ૫/૦૩/૨૦૧૧, સવારના ૧૦.૩૬ વાગે)

રસ્તો

શું, વિચારે છે?,
કેમ, ઉભો છે?,
નમાલાની જેમ,
ઢીલુ મોં કરીને,
ચાલવું તો,
તારેજ પડશે…
રસ્તા ક્યાં કદી ચાલે છે?

– દીપક પરમાર ( ૨૨/૦૨/૨૦૧૧ , રાતના ૯.૫૮ વાગે )

બાકડો

થોડુ ચાલુ છું,
અને…
બેસી જાઉં છું,
તારી યાદના,
બાકડા હજાર,
આ શહેરમાં…

દીપક પરમાર ( ૧૨/૧૨/૨૦૧૦, સાંજના ૬.૦૩ વાગે )

Previous Older Entries